ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઈ
નવસારી નગરીમાં શિક્ષણ અને સંસ્કારની સુગંધ પ્રસરાવતી તેમજ દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી એસ.બી. ગાર્ડા કોલેજ ખાતે SC/ST Cell અને I.Q.A. Cellના સંયુક્ત ઉપક્રમે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે તા. ૦૬/૧૦/૨૦૨૬ના રોજ ‘આદિવાસી જીવનશૈલી આધારિત’ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા, જીવનશૈલી અને પ્રકૃતિ સાથેના અનોખા સંબંધ અંગે જાગૃતિ કેળવવા તેમજ તેમની સર્જનાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જરના અધ્યક્ષપણા તથા ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા આદિવાસી જીવનશૈલી, લોકસંસ્કૃતિ, પરંપરાગત વેશભૂષા, પ્રકૃતિપ્રેમ અને સામાજિક જીવનનાં વિવિધ પાસાંને સુંદર રીતે ચિત્રિત કર્યા હતા. આ સ્પર્ધામાં શ્રી નિપુલ મિસ્ત્રી અને ડૉ. દિલશાદ પટેલે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. નિર્ણાયકો દ્વારા વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિ, વિષયાનુરૂપતા, સર્જનાત્મકતા તથા ચિત્રની રજૂઆતને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે પટેલ દ્રષ્ટિ, દ્વિતીય ક્રમે હળપતિ જાનવી તેમજ તૃતીય ક્રમે પાનખાણીયા દ્રષ્ટિ વિજેતા જાહેર થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવી તેમની કલાત્મક પ્રતિભાને બિરદાવવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓમાં ભારતીય જનજાતિય સંસ્કૃતિ અને વારસા પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત બને અને તેમની સર્જનાત્મકતાને સતત પ્રોત્સાહન મળે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.